આપણા દેશના આ ગામમાં થાય છે સૌથી પહેલા સવાર જાણો ક્યાં આવેલ છે આ ગામ…

વહેલી સવાર તાજગી ભરી જ હોય છે. જો તમને પણ સૂર્યોદય પહેલા ઉઠીને વોકિંગ કે જોગિંગ કરવાની ટેવ હશે તો તમને અનુભવ થયો જ હશે કે સવારનાં વાતાવરણમાં કેટલી તાજગી હોય છે અને એ તાજગી આપણા શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરવા ઉપયોગી છે. તમે કદાચ જાણતા હશો કે સૂર્ય અસલમાં ઉર્જાનો ભારેખમ સ્ત્રોત છે.

સવારે સુરજ ઉગે તે પહેલા ઉઠી જવામાં આવે તો સવારની એ ઠંડી હવાઓ અને સૂરજની પહેલી કિરણ જોવાની મજા જ કઈંક જુદી છે. ઘણા લોકો સવારના પહોરમાં સૂર્યોદય જોવાના ખાસ શોખીન પણ હોય છે અને તેઓ પોતાનો આ શોખ પૂરો કરવા માટે એવી જગ્યાઓએ પણ ફરવા જતા હોય છે જ્યાંથી સૂર્યોદયનું બેસ્ટ લોકેશન જોવા મળે.

image source

પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશ ભારતમાં સૂરજની પ્રથમ કિરણ ક્યાં પડે છે ? નહીં ને ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે તમને ભારતના એ સ્થાન વિષે જણાવવાના છીએ.

નોર્થ ઇસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશમાં એક ગામ આવેલું છે જે ડોંગ ના નામે ઓળખાય છે. ડોંગ સમુદ્ર તળથી 1,240 મીટર ઉપર બ્રહ્મપુત્ર નદીની સહાયક નદીઓ લોહિત અને સતીના સંગમ સ્થાન પર આવેલું છે.

image source

ચીન અને મ્યાનમાર બોર્ડર પર સ્થિત આ એક એવી જગ્યા છે જ્યાં સવારે 4 વાગ્યાની આસપાસ સૂરજની પહેલી કિરણ પડે છે. સવારના આ અદભુત નજારાને જોવા માટે પર્યટકો લગભગ 8 કિલોમીટર સુધી પગપાળા ચાલીને આ ડોંગ ગામમાં આવે છે.

કહેવાય છે કે પ્રથમ વખત વર્ષ 1999 માં જાહેર કરવામાં આવ્યું હતું કે અરુણાચલ પ્રદેશના ડોંગ ગામમાં ભારતમાં સૌથી પહેલા સૂર્યની કિરણો પડે છે. અને ત્યારબાદથી આ સ્થાન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું. આ જગ્યાએથી સૂર્યોદયને જોવા માટે દેશ – વિદેશના પર્યટકો પણ અચૂક આવે છે. જો કે સૂર્યોદયનો આ લ્હાવો જોવા માટે લગભગ 8 કિલોમીટર સુધી ટ્રેકિંગ કરવી પડે છે.

image source

જો તમને પણ ભારતમાં સૌથી પહેલા સૂર્યોદય જોવાનો લ્હાવો લેવો હોય તો અરુણાચલ પ્રદેશના આ ડોંગ ગામની મુલાકાત જરૂર લેજો. ત્યાંનો એક વખતનો અનુભવ તમારા માટે યાદગાર બની રહેશે તે ચોક્કસ.