‘Friendly Soul in Every City’: અમદાવાદની સેવા સર્વોપરિ સંસ્થાની એક નવી પહેલ, એક જ પ્લેટફોર્મ પર તમે મેળવી શકશો આટલી બધી સુવિધાઓ

2017માં સેવા સર્વોપરિની શરૂઆત થઈ હતી. આ સંસ્થા અનેક પ્રકારના સેવા કાર્યો કરી રહી છે. જેમાં ઝીરો હંગર મૂવમેન્ટ, શરવન ટીફીન સેવા, સરપ્લસ ફૂડ કલેક્શન, બીટ ધ હીટ, બીટ ધ કોલ્ડ, સેવ ગર્લ ચાઇલ્ડ, બ્લડ બ્રિગેડ, મિશન પાઠશાલા , ગો ગ્રીન કેમ્પેઇન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ સંસ્થા વૃદ્ધાશ્રમ માટે પણ સેવા પ્રવૃત્તિઓ કરી રહી છે. તેની સાથે સાથે જ આ સંસ્થા દ્વારા એક અઠવાડિયામાં 400 જેટલા બાળકોને તાલિમ આપવામા આવે છે અને ભોજન પણ આપવામા આવે છે. પણ હવે આ સંસ્થા એક નવી પહેલ કરવા જઈ રહી છે.

આ સંસ્થાએ હવે બ્લડ ડોનેશન, લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડોકયુમેન્ટ્સ, દિવ્યાંગ લોકો માટે પેપર રાઇટર, તેમજ તમારી આસપાસના પાડોશની ખાસ જાણકારીઓ ઉપલબ્ધ કરાવવાનું એક પ્લેટફોર્મ ઉભું કર્યું છે. આ સિવાય આ જ પ્લેટફોર્મ દ્વારા અહીં લોકો દ્વારા નોકરીની તકો, ભાડા માટે ઉપલબ્ધ જગ્યાઓ, યુઝ્ડ તેમજ અનયુઝ્ડ વસ્તુઓ વેચવા તેમજ વાપરવા બાબતેની માહિતી પણ શેર કરવામાં આવશે. જેનાથી લોકોને ખૂબ મદદ મળી રહેશે. ખાસ કરીને જે લોકો સ્થાનિક નથી, જેઓ શહેરમાં અજાણ્યા છે તેમના માટે આ પહેલ ઘણી ઉપયોગી સાબિત થશે.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે અમદાવાદ એક હેલ્થકેર હબ છે. અહીં સમગ્ર ગુજરાતમાંથી લોકો પોતાના સગાસબંધીઓની સારવાર માટે લાંબા સમય માટે આવતા હોય છે, કોઈને 15 દિવસ રહેવું પડે છે તો વળી કોઈને સારવારમાં બેથી છ મહિનાનો સમય પણ લાગી જતો હોય છે. અને આવા બહારગામથી આવતા લોકોના અહીં સગા-સબંધી કે મિત્રો રહેતા હોય તેવું ન પણ બને.

માટે તેમને તાત્કાલિક મદદ કરી શકે તેવું કોઈ ન મળે તેવા સંજોગોમાં જો તેમને ઇમર્જન્સીમાં બ્લડ ડોનરની જરૂર પડે, શહેર માટેની કોઈ જાણકારીની જરૂર હોય, થોડા દિવસ માટે ભાડેથી કોઈ જગ્યા જોઈતી હોય તો આ બધી માહિતી કંઈ ગુગલ પર ન મળી શકે. અને કપરા સમયમાં આવી બાબતમાં શોધ કરવી અઘરી થઈ પડે છે. તો આવા સમયે તેમણે Friendly Soul in Every City (ફ્રેન્ડલી સોલ ઇન એવરી સીટી) નામની પહેલ શરૂ કરી છે. તેમણે તેના માટે એક ફેસબૂક પેજ પણ બનાવ્યું છે.

ઘણીવાર લોકો સાથે એવું બનતું હોય છે કે તેઓ વર્ષોથી કોઈ શહેરમાં રહેતા હોય પણ ઓછા સંબંધીઓ હોવાના કારણે ઇમર્જન્સીના સમયે જેમ કે ઘરના વડિલને ઓપરેશન દરમિયાન બ્લડની જરૂર પડે ત્યારે તેમના માટે ડોનર મેળવવા મુશ્કેલ બને છે અને આવા સંજોગોમાં જો આવી કોઈ માહિતિ તમારા માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય તો તમે તરત જ સમય ગુમાવ્યા વગર મદદ મેળવી શકો છો. અને આવી પહેલ તમને બ્લડ ડોનર તેમજ રેર પ્રકારના બ્લડ ડોનર ઝડપથી મેળવવામાં મદદ કરી શકે છે.

અને અમદાવાદમાં લોકો માત્ર સ્વાસ્થ્ય સેવાઓ માટે જ આવે છે તેવું નથી. અહીં વિદ્યાર્થીઓ અભ્યાસઅર્થે પણ આવે છે તો વળી કેટલાક રોજગાર માટે પણ આવે છે. અને માત્ર અમદાવાદ જ નહીં દેશના વિવિધ શહેરમાં લોકો જતા હોય છે જે તેમના માટે સાવજ અજાણ્યા હોય. ત્યાં પણ Friendly Soul in Every City ના માધ્યમથી તેઓ ભાડાની જગ્યા, લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડોક્યુમેન્ટ્સ તેમજ તમારા આડોશપાડોશની જરૂરી માહિતી વિગેરે બાબતે મદદ મેળવી શકો છો. અને આજ બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેવાસર્વોપરી સંસ્થાએ ફ્રેન્ડલી સોલ ઇન એવરી સીટીનું એક પેજ બનાવીને જરૂરિયાતો તેમજ દાતા વચ્ચેના અવકાશને પૂરવાની પહેલ શરૂ કરી છે.

અમદાવાદની સેવા સર્વોપરી સંસ્થા પહેલેથી જ વિવિધ પ્રકારના સેવાકાર્યો સાથે જોડાયેલી છે. આ સંસ્થા અમદાવાદના મણિનગર, બોપલ, સાબરમતી, ઝુંદાલ તેમજ ખોરજ વિસ્તારોમાં સેવા કાર્યો કરી રહી છે. હાલ સંસ્થા દર રવિવારે બાળકોને પાયાનું શિક્ષણ આપે છે અને તેમને સ્વસ્થ ખોરાક પણ પુરો પાડે છે. અને હવે લોકોએ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ Friendly Soul in Every City સાથે પણ જોડાવું જોઈએ, જે એક ખરેખર મદદરૂપ પહેલ છે.