પિતાએ પુત્રને કહ્યું, ‘બેટા સમાજને કદી ભૂલતો નહીં અને જમણા હાથેથી આપે તો ડાબા હાથને ખબર ના પડે એ રીતે આપજે’

રાજકોટમાં કિડની હોસ્પિટલ્સ સ્થાપીને સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો દર્દીઓને નવજીવન આપનારા ડો. પ્રદીપ કણસાગરાનો આજે જન્મદિવસ છે. ગઈકાલે તેમની સાથે ફોન ઉપર વાત થઈ તો તેમણે કહ્યું કે, આપણે કાંઈ કરતા નથી. સમાજે આપણને એટલું બધું આપ્યું હોય છે કે, એમાંથી જેટલું પાછું આપીએ એ ચપટીક જ કહેવાય. પોતાના પિતા જીણાભાઈ કણસાગરાનું સ્મરણ કરતા તેમણે કહ્યું કે, મારા પિતા કહેતા કે જેમ સમાજના સંસાધનોમાં આપણો ભાગ હોય છે એ જ રીતે આપણી સંપતિમાં પણ સમાજનો ભાગ હોય છે એ કદી ભૂલવું નહીં. આપવું તો આપી જાણવું.

જમણા હાથથી આપો તો ડાબા હાથને ખબર ના પડે એ રીતે આપજો. તેઓ આજે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી રહ્યા છે. વિવિધ વેબિનાર ઉપરાંત પોતાના જીવનમાં જેમણે જેમણે પ્રદાન કર્યું છે તેનો તેઓ ઋણ સ્વીકાર કરવાના છે. થેન્ક્સ ગિવિંગ કરશે. આ ઉમદા ભાવના છે. જન્મદિવસે ઋણ અદા કરવાની જે વાત છે તે ભારતીય સંસ્કૃતિનું જ નહીં, સમગ્ર માનવતાનું ગૌરવ છે. આવો નિર્ણય કરવા માટે પ્રદીપભાઈ અભિનંદનના અધિકારી છે.

ડો. પ્રદીપ કણસાગરાએ અનેકવિધ સેવાકીય કાર્યોં કર્યાં છે. સમાજસેવા માટે એક જ ક્ષણમાં ખાનગી મેડિકલ પ્રેક્ટિસ છોડી દીધી હતી. હજી પણ સમાજ માટે યથાશક્તિ કાર્યોં કરે છે. કોઈ પણ પ્રકારના હેતુ વિના સારાં કાર્યોમાં સેતુ પણ બને છે.

તેમના પિતાને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. ગુજરાતનાં અનેક માતા-પિતાઓએ પોતાના સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવ્યાં તો ખરાં જ, પરંતુ સમાજને પાછું આપવાના સંસ્કાર પણ આપ્યા. આ વાત ખાસ નોંધવા જેવી છે. ગામડામાં ગરીબીમાં જીવતાં, માંડ માંડ ગુજારો કરતાં, પેટે પાટા બાંધીને ઓછું ખાઈને, ઉપવાસ કરીને પોતાનાં સંતાનોને ભણાવનારાં સેંકડો માતા-પિતાઓએ પોતાના સંતાનોને સંસ્કાર તો એવા જ આપ્યા કે કમાઈને સમાજને પાછું આપજો. આવાં લાખો માતા-પિતાને આપણે કદી ભૂલી ના શકીએ. ગુજરાતનો જે ઉત્કર્ષ છે ને તેના પાયામાં આવાં માતા-પિતાનું સૌથી મોટું પ્રદાન છે.

બોસ્ટનમાં વસતા ડો. અશોક પટેલે ડાંગ આહવામાં 15 કરોડના ખર્ચે ખૂબ જ જહેમત કરીને, અંગત રસ લઈને બોસ્ટનથી વારંવાર આહવા આવીને, તન-મન-ધનથી ઘસાઈને હોસ્પિટલ બનાવી છે. કન્યા છાત્રાલય પણ બનાવ્યું છે. તેમના આ સંસ્કારના પાયામાં પણ પિતા. કોઈ અજાણ્યા માણસે વસિયતમાં અશોકભાઈને લાખો રુપિયા આપ્યા ત્યારે તેમના પિતાએ સલાહ આપી કે, કોઈની કમાણીના પૈસા આપણાથી ના લેવાય. એ પછી આ હોસ્પિટલના નિર્માણનું બીજ વવાયું. એ પછી તો તેમણે આખા પ્રોજેક્ટને મોટું સ્વરુપ આપ્યું અને પોતે અનુદાન આપ્યું તથા સમાજમાંથી કરોડો રુપિયા એકત્રિત કરીને આદિવાસી પ્રજા માટે આરોગ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી.

ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલની યુનિવર્સિટીની સ્થાપનાના પાયામાં છાશ પડેલી છે. તેમનાં માતા ગામડામાં લોકોને સામેથી બોલાવીને છાશ આપતાં. આ આપવાનો ગુણ નાનકડા ગણપતે બાળપણમાં જોયેલો. એ છાશનું વ્યાપક સ્વરુપ એટલે યુનિવર્સિટીની સ્થાપના. એક વાર ગણપતભાઈનાં માતા તેમને ખળામાં લઈ ગયાં. ખેતરમાંથી જે પાક આવ્યો હતો તેના મોટા ઢગલા ખળામાં પડ્યા. ગામમાં રિવાજ કે ગામના પૂજારી, લુહાર, સુથાર, નાઈ એમ જુદા જુદા લોકોને અનાજ આપવાનું હોય. આ પરંપરા આજે પણ ક્યાંક ક્યાંક ચાલે છે. તગારાં ભરી ભરીને અપાયું.

ગણપતભાઈનાં માતાએ મોટા ઢગલામાંથી એક તગારું અનાજ ભરીને બાળ ગણપતને બતાવતાં કહ્યું કે, જો આપણે આ ઢગલામાંથી એક તગારું લઈએ છીએ એટલે કશું ખૂટતું નથી, આપોઆપ એ જગ્યા ભરાઈ જાય છે. જીવનમાં કાયમ યાદ રાખજે, તમે સમાજને જેટલું આપશો એ આપોઆપ ઈશ્વર તમને ભરપાઈ કરી જ આપશે. નાનકડા ગણપતના હૃદયમાં આ વાત જબરજસ્ત ચોંટી ગઈ જે આજે પણ ઉખડી નથી. હજી પણ તેઓ સમાજ માટે વધુ મોટું શું કરવું તેનો વિચાર કર્યા કરે છે.

ડો. પ્રદીપ કણસાગરા, ડો. અશોક પટેલ કે ગણપતભાઈ પટેલ અને આવા બીજા ઘણા બધા જે સમાજને ખૂબ પ્રેમથી, ઉમળકાથી પાછું આપી રહ્યા છે તેના પાયામાં તેમનાં માતા-પિતાના સંસ્કાર પડેલા છે. ધન્ય છે આવાં સેંકડો માતા-પિતાઓને તેમને શત્ શત્ વંદન.

આજે 15મી ઓગસ્ટે, ડો. પ્રદીપ કણસાગરા 70 વર્ષ પૂરા કરી, 71 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમને જન્મદિવસના અભિનંદન. સમાજને ઉપયોગી થાય તેવા અનેક વેબિનારની આખી સિરિઝ તેમણે જન્મદિવસની ઉજવણીના સંદર્ભમાં કરી છે. આ પણ સારી વાત છે. જન્મદિવસની ઉજવણી વ્યક્તિગત રહેવાને બદલે જ્યારે સામાજિક બની જાય છે ત્યારે ઉજવણી વધારે અર્થપૂર્ણ બને છે. હળવો મિજાજ ધરાવતા અને કાયમ સમાજની ચિંતા કરીને કામ કરતા ડો. પ્રદીપ કણસાગરાને અગિયાર દરિયા ભરીને અભિનંદન. ભગવાન તેમને નિરામય લાંબુ આયુષ્ય આપે.

આલેખનઃ રમેશ તન્ના