ધ્યાન રાખજો, યોગાસન કરતી વખતે તમે આ ૪ ભૂલો તો નથી કરી રહ્યાને? થશે નુકસાન

સ્વસ્થ અને નિરોગી રહેવા યોગા ચોક્કસ કરવા જોઈએ, ધ્યાન રાખો આ ચાર બાબતો, નહીં તો થશે મુશ્કેલી…

ભારતીય સંસ્કૃતિમાં સૌથી વધુ સુદ્રઢ અને શ્રેષ્ઠ બાબત હોય તો તે છે યોગ ચિકિત્સા. ભારત દેશની સનાતન જૂની હિન્દુ સંસ્કૃતિમાં તેનો ઉલ્લેખ છે. વેદ પૂરાણોમાં તેના વિશે કેટલુંય લખાયું છે. પ્રાચિન સંસ્કૃતિના ઋષિઓ યોગ તપસ્વીઓ સો વર્ષ સુધી સ્વસ્થ, નિરોગી અને અલૌકિક દિવ્ય શક્તિઓ ધરાવતા હતા. તેમની આ પ્રકારના સદગુણો પાછળનું રહસ્ય હતું યોગ અને ધ્યાન…

આજના સતત દોડતા અને વ્યસ્ત જીવનમાં આપણે દિવસને અંતે ખૂબ જ થાક અનુભવીએ છીએ. ગુસ્સો અને ઊગ્ર સ્વભાવ જાણે આપણાં જીવનમાં વણાઈ ગયા છે. સ્ટ્રેસ અને ટેનશન બંને એ રીતે આપણને ઝકડી રાખ્યા છે કે આ સંસારની જંજાળમાંથી સરળતાથી છૂટી નથી શકાતું. આના માટે શ્રેષ્ઠ ઉપાય છે, યોગ અને ધ્યાનનું તપ…

હકીકતે તો થતું એવું હોય છે આપણે આના માટે પણ આપણી દિનચર્યામાંથી આખા દિવસમાં ફકત ૧૫ મિનિટ પણ નથી ફાળવી શકતાં. અને જો ભૂલેચૂકે યોગ કરવાનું શરૂ પણ કરી દઈએ તો કેટલીક વખત ધાર્યું પરિણામ મળતું નથી. આપણે યોગાસનોની પ્રક્રિયા યોગ્ય રીતે સમજી શકવામાં ઘણીવખત અસમર્થ રહીએ છીએ. યોગાસન શીખવાના ઘણાં કારણો છે, જેમ કે વજન ઘટાડવું કે વધારવું અથવા તો જે છે તેને નિયંત્રિત કરવું.

ડાયાબિટિઝ, બ્લ્ડ પ્રેશર, માઈગ્રન કે થાઈરોઈડ જેવા અસાધ્ય રોગો પર અંકુશ રાખવો. શ્વાસોચ્છવાસની બીમારીઓને નિવારવા, દિવસની દિનચર્યાને નિયમિત કરવા જેવા કારણોસર આપણે યોગ  શીખવા ઇચ્છતાં હોઈએ છીએ. અલબત્ત, બને એવું છે કે આપણે ક્યારે ઉતાવળે કે સમયના અભાવે અયોગ્ય રીતે યોગાસનો કરવા બેસી જતાં હોઈએ છીએ. યોગાસનો કરવા માટે પણ ચોક્કસ નિયમો હોય છે.

કયું  આસન કર્યા પછી કયું કરવું, કયું આસન કેટલા સમય માટે કરવું, શ્વાસની ગતિ અને બેસવાની રીત વગેરે બાબતોને ધ્યાનમાં લેવાની રહે છે. ક્યારેક એવું બને છે કે યોગાસનો કરવાની સાચી રીત ખ્યાલ ન હોય અથવા કોઈ ચૂક થઈ જાય તો શરીરમાં દુખાવો કે આડઅસર દેખાય છે. હાથપગની નસ ખેંચાઈ જવી, માથું દુખવું કે પછી શ્વાસની ગતિ વધી જવી, ચક્કર આવવા જેવી ફરીયાદો આપણે કરવા લાગીએ છીએ અને કંટાળીને યોગાસન કરવાનું મૂકી દઈએ છીએ.

ખરેખર, યોગ પ્રક્રિયાને જીવનમાં એવી રીતે વણી લેવું જોઈએ જે રીતે શરીરને સવારે જાગીએ ત્યારે ભૂખ લાગે અને આપણે ચા નાસ્તો કરીએ એજ રીતે શરીર પણ યોગાસનોની કસરતની ઇચ્છા કરતું થઈ જાય. આપણે ૠષિ – મૂનિની જેમ ભલે સેંકડો વર્ષ જીવવાની તમન્ના ન રાખીએ પરંતુ જેવું જીવીએ, જેટલું જીવીએ તંદુરસ્ત અને ખુશહાલ રહીએ એ પૂરતું છે.

અહીં એવી કેટલીક બાબતોની ચર્ચા કરીએ જેમાં આપ યોગાસનોની મદદથી મહત્તમ લાભ લઈ શકો અને કેટલીક એવી ભૂલો વિશે વિસ્તૃત ચર્ચા કરીએ જેને લીધે તમે યગાસનોના ખોટી અસર ન થાય કે તેના વડે શારીરિક ખામી ન પહોંચે.

આક્રમક શરૂઆત ન કરવીઃ

યોગાસન એ એવી પ્રક્રિયા છે જે એક એક સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિસર ન અનુસરીએ તો જે યોગ્ય લાભ થવા જોઈએ શરીરના સ્વાસ્થ્યને તેની બદલે શારીરિક તકલીફ વધે છે. યોગાસનની પ્રેક્ટિસ કરવા માટે સૌથી પહેલાં વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે કે તરત જ કોઈ આસન શરૂ ન કરી દેતાં હળવી શારીરિક કરસતો કરી લેવી. જેમ કે હાથપગ હલાવવાં, ગરદન અને ગોઠણ હલાવવાની કસરત કરી લેવી જોઈએ. જેનાથી આપણું શરીર એ સંકેત મેળવી લે કે શરીર હવે વ્યાયામ માટે તૈયાર છે. લોહીમાં ગરમાવો આવે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેનું નિયમન સાધી લે. ઉતાવળે અને ઝડપથી કોઈપણ યોગાસન કરવા નહીં. શરીર અકડાઈ જવું કે ખેંચાઈ જવાની સંભાવના રહે છે.

આરામદાયક કપડાં ન પહેરવાઃ

પ્રાચિન સમયમાં યોગાસન કરતા હતા ત્યારે ઋષિ – મૂનિઓ માત્ર લંગોટ પહેરતા. તેમણે અનેક પ્રકારનાં તપ આ રીતે માત્ર એક વસ્ત્રો પહેરીને કર્યાં છે. તેમણે મેળવેલ સિદ્દિઓ અને અલૌકિક શક્તિઓનું નિરૂપણ આપણે આપણાં સાંસારિક જીવનમાં ભલેને ન મેળવી શકીએ પરંતુ આ રીતે યોગાસનો દ્વારા આ શક્તિઓ પ્રાપ્ત કરવાના પ્રયત્નો તો કરી જ શકીએ.

આપણે તો લંગોટ કે ધોતિયું નથી પહેરવાનું પરંતુ ચૂસ્ત કે કડક કપડાં ન પહેરવા સલાહ ભર્યું છે. કોટનના ઢીલાં આરામદાયક કપડાં પહેવાં જોઈએ. હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે અને પરસેવો પણ તેમાં શોષાઈ જાય એ રીતના વસ્ત્રો પહેરવા જોઈએ. વળી શરીરનું હલનચલન પણ સરળતાથી થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જીમ વેર, જોગિંગ સૂટ કે નિટેડ ટ્રેક સૂટ, પુરુષો માટે તથા નિલેન્થ કેપ્રી, ટીશર્ટ, કોટન કૂર્તિ લેગિંગ્સ કે સલવાર કૂર્તા સ્ત્રીઓ માટે પહેરવા યોગ્ય રહેશે. આવા વસ્ત્રો ન પહેરવા એ ભૂલ ગણાશે.

પદ્ધતિસર કરાતું યોગાસનઃ

જેમ પહેલું પગથિયું ચડ્યા પછી જ બીજાં ચડાય છે છેલ્લે ચડી ગયા પછી સીધું નીચે એક ઝાટકે પણ ઊતરી નથી જ જવાતું તેમ યોગાસનમાં પણ એક એક સ્ટેપનું મહત્વ છે. વળી આસન કર્યા પછી તેને એજ સ્ટેપનું વિરુદ્ધનું કરવાનું રહે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, સૂર્યનમસ્કાર. આ આસન ૧૨ સ્ટેપ્સ છે. જેમાં ડાબા અને જમણાં હાથ પગનું આસન પણ છે. આ આસનને કરવા જે રીતે શરૂ કર્યું હોય તેને પૂરું કરવા માટે પણ એજ રીતે સ્ટેપ્સ લેવાના હોય છે. આવું ન કરવાથી બની શકે સ્નાયુઓ કે નસ ખોટી રીતે ખેંચાઈ જાય.

આસન કરતી વખતે એજ એક એક સ્ટેપની સાથે શ્વાસ લેવા અને છોડવાની પદ્ધતિનું પણ ધ્યાન દેવું એટલું જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે પેટની ચરબી ઘટાડવા કે ફેફસાંની તકલીફો સુધારવા માટે આપણે આસનો કરતાં હોઈએ ત્યારે. આવું ન થાય તો શ્વાસ ચડી જવાનો ખતરો રહે છે. જેથી સંપૂર્ણ માહિતી સાથે યોગ કરવા જોઈએ અથવા હંમેશા યોગ પ્રશિક્ષકની હાજરીમાં જ કરવા જોઈએ.

યોગાસન કરતી વખતે શાંત વાતાવરણ જોઈએઃ

યોગાસનની સાથે જ શબ્દ આવે છે ધ્યાન. ધ્યાન કરવું એટકે ચિત્તને નિશ્ચિંતતાથી કેન્દિત કરીને એકાગ્રહ થઈને કરાતી શારીરિક કસરત. ઉતાવળે કે અશાંત મનથી કરાયેલ યોગાસન નિર્ધારિત અસર કરતું નથી તે પાકું છે. જેમ ઓવનમાં યોગ્ય સમય અને યોગ્ય તાપમાને બિસ્કિટ ન રાખવામાં આવે તો તે કાચા રહે છે તેમ યોગ કરવા માટે પણ યોગ્ય વાતાવરણ અને સમય પણ જરૂરી છે.

ખુશનુમા અને ઠંડકવાળી જગ્યાઓ જેમ કે એ.સી. હોલ, બગીચો, કુદરતી સૌંદર્યવાળી જગ્યા કે ઘરની જ ખુલ્લી સ્વચ્છ અગાસીએ જો યોગાસન કરશો તો મન અને તન બંને પ્રસન્ન થશે. એ સિવાય ખોરાક લેવાનું યોગાસનમાં ધ્યાન રાખવું પડે છે. કયા આસનો ભૂખ્યા પેટે કે પછી ઓછું કે વધુ પાણી પીધા પછી કરવું. કોઈ આસન જમીને કરવું વગેરે સમયના માપદંડો પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.

વધુ પડતી કરસત કે અનિયમિત કસરત પણ શરીર માટે હાનિકારક છે. સાવચેતી ભરેલ અને સમયસર કરાયેલ યોગાસનની પ્રક્રિયા તમારા શારીરિક સ્વાસ્થ્ય અને મનની તંદુરસ્તી બંને માટે ખૂબ જ લાભદાયી નિવડશે. ફકત ભારત દેશમાં જ નહીં બલ્કે યોગા પ્રેક્ટિસ આજે દુનિયાના દરેક ખૂણે થવા લાગી છે.

ગર્ભવતી સ્ત્રીઓ પણ કેટલાક સૂચવેલા યોગાસનો કરી શકે છે, એક્સપર્ટની સલાહ લીધા બાદ, હાર્ટ પેશન્ટ અને અમુક માથાના, કમર અને કરોડરજ્જુના દુખાવાના દર્દીઓ સિવાય યોગ અબાલ – વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે.

લેખ સંકલનઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ